શિવકુમાર જોશી
શિવકુમાર ગિરજાશંકર જોશી (૧૬ નવેમ્બર ૧૯૧૬ – ૪ જુલાઇ ૧૯૮૮) એ ગુજરાતી ભાષાના એક જાણીતા સાહિત્યકાર હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેઓએ મેટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. અને ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય કર્યો. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.
૪ જુલાઇ, ૧૯૮૮ના રોજ તેમનું અવસાન થયું હતું.
સર્જન
[ફેરફાર કરો]‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’ (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું, તે પછી અનંત સાધના’ (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’ (૧૯૫૯) તથા ‘નીલાંચલ’ (૧૯૬૨), ‘નીરદ છાયા’ (૧૯૬૬), ‘ગંગા વહે છે આપની’ (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાફલક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી હોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દ્રષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. ‘અંધારા ઉલેચો’ (૧૯૫૫), ‘અંગારભસ્મ’ (૧૯૫૬), ‘સાંધ્યદીપિકા’ (૧૯૫૭), ‘દુર્વાંકુર’ (૧૯૫૭), ‘ઘટા ઘીરી ઘીરી આઈ’ટ (૧૯૫૯), ‘એકને ટકોરે’ (૧૯૬૦), ‘સુવર્ણરેખા’ (૧૯૬૧), ‘શતરંજ’ (૧૯૬૨), ‘કૃતિવાસ’ (૧૯૬૫), ‘સાપઉતારા’ (૧૯૬૬), ‘સંધિકાળ’ (૧૯૬૭), ‘બીજલ’ (૧૯૬૯), ‘અજરામર’ (૧૯૭૦), ‘કહત કબીરા’ (૧૯૭૧), ‘કાકા સાગરિકા’ (૧૯૭૩), ‘બાણશય્યા’, ‘નકુલા’ અને ‘ત્રિપર્ણ’ (૧૯૭૩), ‘લક્ષ્મણરેખા’, ‘નીલ આકાશ’, ‘લીલી ધરા’-‘દ્રિપર્ણ’ (૧૯૭૬), ‘અમર-અમર મર’ (૧૯૮૨), ‘માશંકરની ઐસી તૈસી’ (૧૯૮૨) વગેરે એમનાં દીર્ઘ નાટકો છે. એમની પાસે દીર્ઘ નાટકો માટે યોગ્ય સંકુલ સંઘર્ષયુક્ત સામાજિક વસ્તુ, સ્વતંત્ર વ્યક્તિત્વવાળાં પાત્રો, પાત્રાનુરૂપ રંગમંચક્ષમ ભાષાશૈલી તથા તખ્તાલાયકી છે. આ ઉપરાંત એમણે શરદબાબુની પ્રસિદ્ધ નવલકથાઓ ‘વિરાજવહુ’ (૧૯૫૨) તથા ‘દેવદાસ’ (૧૯૫૯) નાં સફળતાપૂર્વક નાટ્યરૂપાંતર કર્યાં છે.
એમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની શૈલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલોમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્વનાં સામાજિક-રાજ્કીય પરિબળોને પશ્વાદભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો છે. ખુમારીભર્યા સ્ત્રી પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલોના પ્રસ્તારને પ્રવાસી પાત્રોનાં પ્રવાસવર્ણનો સાથે સંબંધ છે. ‘આભ રુવે એની નવલખધારે’ (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે. ‘કમલ કાનન કોલોની’ (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે આપેલી અન્ય નવલો આ પ્રમાણે છે. ‘અનંગ રાગ’ (૧૯૫૮), ‘શ્રાવણી’ (૧૯૬૧), ‘એસ. એસ. રૂપનારાયણ’ (૧૯૬૬), ‘દિયો અભયનાં દાન’ (૧૯૬૭), ‘સોનલ છાંય’ (૧૯૬૭), ‘કેફ કસુંબલ’ (૧૯૬૭), ‘રજત રેખ’ (૧૯૬૭), ‘એક કણ રે આપો’ (૧૯૬૮), ‘નથી હું નારાયણી’ (૧૯૬૯), ‘અયનાંશુ’ (૧૯૭૦), ‘અસીમ પડછાયા’ (૧૯૭૧), ‘લછમન ઉર મૈલા’ (૧૯૭૨), ‘વસંતનું એ વન’ (૧૯૭૩), ‘ચિરાગ’ (૧૯૭૫), ‘મરીચિકા’ (૧૯૭૫), ‘પોપટ આંબા કેરી ડાળ’ (૧૯૭૬), ‘આ અવધપુરી! આ રામ!!’ (૧૯૭૮), ‘ઊડી ઊડી જાવ પારેવાં’ (૧૯૭૯), ‘પ્રિય રમ્ય વિભાવરી’ (૧૯૮૦), ‘ગંગા બહૈ, નહિ રૈન’ (૧૯૮૧), ‘કલહંસી’ (૧૯૮૩) અને ‘કેસૂડે કામણ ઘોળ્યાં’ (૧૯૮૪).
એમણે ટૂંકી વાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. ‘રજનીગંધા’ (૧૯૫૫), ‘ત્રિશૂળ’ (૧૯૫૭), ‘રહસ્યનગરી’ (૧૯૫૯), ‘રાત અંધારી’ (૧૯૬૨), ‘અભિસાર’ (૧૯૬૫), ‘કનકકટોરો’ (૧૯૬૯), ‘કોમલ ગંધાર’ (૧૯૭૦), ‘કાજલ કોટડી’ (૧૯૭૩), ‘નવપદ’ (૧૯૭૬), ‘છલછલ’ (૧૯૭૭), ‘શાંતિ પારાવાર’ (૧૯૭૮), અને ‘સકલ તીરથ’ (૧૯૮૦) એમના વાર્તાસંગ્રહો છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે.
તેમની પ્રવાકથાઓ ‘જોવી’ તી કોતરો ને....જોવી’ તી કંદરા’ તથા ‘પગલાં પડી ગયા છે’ (૧૯૮૨) છે. આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવો ચિતાર આપતી, નાટ્યજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ પણ છે શૂરાનો’ (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’ (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા ‘આદર્શ હિન્દુ હોટલ’ (૧૯૭૭) તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે.
આભ રુવે એની નવલખ ધારે- ભાગ ૧-૨ (૧૯૬૪): શિવકુમાર જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે. દેશપ્રેમની ભાવનાથી રંગાયેલ જયમનબહેનનો સ્વૈરાચારી પુત્ર અશેષ; તેની સુંદર, સંસ્કારી, સુશિક્ષિત બંગાળી પત્ની કાજલ; સામ્યવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો તેનો ભાઈ ઉત્પલ-કથાનાં મુખ્ય પાત્રો છે. અશેષ-કાજલનું પ્રેમલગ્ન અશેષની સિદ્ધાંતવિહોણી જીવનરીતિ અને સ્ત્રીસંગ-લોલુપતાને કારણે છિન્નભિન્ન થતું જોવાય છે. કથા ફલેશબેક પદ્ધતિથી રજૂ થઈ છે, પણ લેખક વચ્ચે વચ્ચે કથાનાયક તેમ જ વાચક સાથે વાત કરી લે છે. ઐતિહાસિક સામગ્રીનું આકલન પાત્રોના અંગત જીવનની સાથે નહીં સાંધો નહીં રેણ સમું થઈ શકયું નથી.
સોનલ છાંય (૧૯૬૭): પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેતી, શિવકુમાર જોશીની લઘુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના અંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે.
રચનાઓ
[ફેરફાર કરો]- નવલકથા - અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી, વસંતનું એ વન અને મરિચિકા.
- નવલિકા - શબરી બાઈનાં એઠાં બોર, રજનીગંધા, કાજલ કોટડી, છલછલ અને ક્રેકટસનું ફુલ.
- નાટક - લેડિઝ કમ્પાર્ટમેંટ, અંધારા ઉલેચો, એકને ટકોરે અને કહત કબીરા.
- એકાંકી - ગંગા વહે છે, પાંખ વિનાનાં પારેવા અને શિવકુમાર જોશીની એકાંકીઓ.
- નાટ્યરૂપાંતર - વિરાજવહુ અને દેવદાસ.
- પ્રવાસકથા - એકલો અટુલો, જોવી'તી કોતરોને અને જોવી'તી કંદરાઓને.
- સંસ્મરણો - મારગ આ પણ છે શુરાનો.
- વિવેચન - નવકોઠાનું યુધ્ધ અને રંગભીનાં ચહેરા.
- નિબંધ - ચૌરધીને ચોતરેથી.
- અનુવાદ - જોગાનું જોગ (રવિન્દ્રનાથ), આદર્શ હિન્દુ હોટલ (વિભૂતિભુષણ) અને કલકતાની સાવ સમીપે (ગજેન્દ્રકુમાર મિત્ર).
સન્માન
[ફેરફાર કરો]તેમને ઇ.સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૦માં રણિજતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમના નાટક સુવર્ણરેખા (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Shivkumar Joshi". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2 December 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ Indian Literature. Prabhat Prakashan. 1988. પૃષ્ઠ 332.