છોટુભાઇ નાયક
છોટુભાઈ રણછોડજી નાયક (૧૮ જુલાઇ ૧૯૧૩ -૯ જાન્યુઆરી ૧૯૭૬) ગુજરાતી ભાષાના કોશકાર હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ વલસાડ જિલ્લાના ભગોદ ગામે થયો હતો અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં થયું. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ., ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને ખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન હતા. ૧૯૪૨ થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કૉલેજ, નવસારીની ગાર્ડા કૉલેજ તેમ જ અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન તથા એચ.કે. આર્ટસ કૉલેજ વગેરે વિવિધ સ્થળે અધ્યાપન કર્યું. તેઓ ૧૯૬૪ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૭૦માં તેમને ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ મળ્યો હતો તેમજ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીને ફેલોનું સન્માન પ્રાપ્ત થયું હતું.
સર્જન
[ફેરફાર કરો]તેમણે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્વની સામગ્રી પૂરી પાડી છે. ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ ભાગ ૧, ૨, ૩ (૧૯૭૨, ૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ (૧૯૫૦), અરબી-ફારસીની ગુજરાતી પર અસર ભાગ ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૫), સૂફીમત (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે. એમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે.